વિલોક્ય
Vilokya
એકવીસમી સદીની પહેલી પચીસીએ પહોંચવા આવ્યા છીએ ત્યારે ગુજરાતી વિવેચન અને સંશોધનમાં કટોકટીભરી પરિસ્થિતિ ઊભી થઈ છે. આ અતિશયોક્તિ લાગશે પણ અરધાથી પણ વધારે ગુજરાતી અધ્યાપકોને વ્યાકરણની દૃષ્ટિએ સાચું ગુજરાતી લખતા આવડતું નથી. આમાં હવે કોઈ સાહિત્યકૃતિને નાણવા પ્રમાણવાની એમની શક્તિ વિશે તો કલ્પના કરવાની જ રહી. આવા સંજોગોમાં એક અંતરિયાળ કસ્બાની હાઈસ્કૂલના ગુજરાતીના શિક્ષક એવા પ્રવીણ કુકડિયાની સજ્જતા નવાઈ પમાડે એવી છે. આ સજ્જતા ફક્ત ભાષા પરત્વે નહિ પરંતુ ઉત્તમ સાહિત્યકૃતિને માણવા પ્રમાણવાની પણ છે. આ વિવેચનસંગ્રહના ઓગણીસ લેખોમાં અહીં મધ્યકાળના ગુજરાતી સાહિત્યની કૃતિઓથી શરૂ કરીને આ વર્ષે જેને દિલ્હી સાહિત્ય અકાદમીના શ્રેષ્ઠ પુસ્તક તરીકેનું ઇનામ મળ્યું છે તેવા નિબંધસંગ્રહના ભાષાકર્મને પણ એમણે પોતાના વિવેચનની સરાણે ચડાવ્યું છે. મોટે ભાગે વિવેચન વાટકીવ્યવહારનો પર્યાય બની ગયું હોય એવા સમયમાં પ્રવીણ કુકડિયા જરા પણ શબ્દની ચોરી કર્યા વગર જે કહેવાનું છે તે ખોંખારીને કહે છે. કોઈને એમ લાગે કે એક યા બીજા સર્જક પ્રત્યે અહીં વિવેચક થોડા વધારે કડક થયા છે પણ એમના મુદ્દાઓની સાથે સહેજ પણ અસંમત થવાય એવું નથી. અહીં એમણે જે મુદ્દાઓ રજૂ કરવાના છે તેમાં કે જે ભાષામાં રજૂ કરવાના છે એમાં સહેજ પણ દુર્બોધતા ન આવી જાય તેનું ખાસ ધ્યાન રાખ્યું છે. મારે મન તો આ વિવેચન લેખો આખા દિવસના કામકાજથી કંટાળ્યા હોઈએ ત્યારે મન પ્રફુલ્લિત કરવા માટેનું સત્વશીલ વાંચન છે. ભવિષ્યમાં પણ પ્રવીણ કુકડિયાનું તપ વધતું રહે તેવી શુભેચ્છા સાથે એમના આ બીજા વિવેચન સંગ્રહ ‘વિલોક્ય’નું હું સ્વાગત કરું છું.
Product Details
- Pages:168 pages
- Language:Gujarati
- Format:Paperback