પોલીએના
Pollyanna
શું તમને ‘પોલીએના’ યાદ છે?
વિશ્વપ્રસિદ્ધ વાર્તાકાર એનીનોર પોર્ટરની સુપ્રસિદ્ધ અંગ્રેજી નવલકથા, જેનો રશ્મિબહેન ત્રિવેદીએ ગુજરાતી અનુવાદ કરેલો, જે વર્ષ ૧૯૭૫માં પ્રકાશિત થયેલો. આ નવલકથાએ ગુજરાતી વાચકોનાં જ નહીં, પરંતુ લેખકોનાં પણ દિલ જીત્યાં. સમયાંતરે તેની અન્ય આવૃત્તિઓ પણ રજૂ થતી ગઈ. આ જ સુપ્રસિદ્ધ નવલકથા ‘પોલીએના’ની નવી આવૃત્તિ પ્રસ્તુત કરે છે ઝેન ઓપસ.
નિર્દોષ-નિર્મળ હૃદય અને હકારાત્મક અભિગમથી ભરપૂર અનાથ બાળકી પોલીએના પોતાના જીવનમાં આવતી દરેક વ્યક્તિને રાજી રહેવાની રમત શીખવતી જાય છે અને એમના જીવનમાં ખુશીઓના રંગો ઉમેરતી જાય છે. કઠોર હૃદયમાંથી પણ સ્નેહનું ઝરણું વહાવી દેતી ‘પોલીએના’ વિશે સાહિત્યકાર સ્વ. અમૃતલાલ યાજ્ઞિકે કહ્યું છે: ‘આશા-આનંદ જગાડતી અને પ્રેરતી, પ્રફુલ્લતા અને જીવનદૃષ્ટિ આપતી આ નવલકથાનો ગુજરાતી અનુવાદ નિશાળ અને કૉલેજમાં ભણતા વિદ્યાર્થીઓ, શિક્ષકો તેમ જ મા-બાપે વાંચવો ઘટે.’
ત્યારે દિવંગત કવિ હરીન્દ્ર દવેએ પ્રતિસાદ આપતાં કહેલું:
પોલીએનાની ગ્લેડ ગેમ એટલે કે રાજી રહેવાની રમત રમવા જેવી છે. એ માટે થોડાંક ડૂસકાં જીરવીને હોઠ પર હાસ્ય લાવવાની તૈયારી જોઈએ. આ સહેલી વાત નથી છતાં આ પુસ્તક સુધી પહોંચી શકાયું તેનો આનંદ છે.
જયારે વરિષ્ઠ સાહિત્યકાર સ્વ. ધીરુબહેનના શબ્દો કંઈક આવા હતા:
‘વગડાઉ ફૂલ જેવી એક નિર્દોષ બાલિકા એના ઉદાત્ત અને મધુર સ્વભાવને કારણે જ્યાં જ્યાં પગ મૂકે છે ત્યાં ત્યાં અજવાળું પથરાઈ જાય છે. આ અત્યંત લોકપ્રિય નવલકથાનો ભાવવાહી અનુવાદ ગુજરાતી વાચકોને એક આનંદદાયક અનુભવ કરાવશે.’
રશ્મિબહેન ત્રિવેદી દ્વારા થયેલો સરળ અને રસપ્રદ અનુવાદ નવલકથાને ગુજરાતીપણું બક્ષી તેને સુવાચ્ય અને પ્રાસાદિક બનાવે છે.
Product Details
- Pages:208 pages
- Language:Gujarati
- Format:Paperback