સ્વરમયી
Swaramayee
કિરાના ઘરાનાનાં પ્રખ્યાત ગાયિકા અને આજીવન સંગીતને સમર્પિત કલાકાર વિદુષી પ્રભા અત્રે શાસ્ત્રીય સંગીતની દુનિયામાં અત્યંત સન્માનનીય નામ છે. શાસ્ત્રીય સંગીતમાં એમનાં અમૂલ્ય યોગદાન બદલ ભારત સરકાર તરફથી તેમને પદ્મશ્રી, પદ્મભૂષણ અને પદ્મવિભૂષણથી નવાજવામાં આવ્યા છે.
શરૂઆતથી જ જિજ્ઞાસુ અને અભ્યાસુવૃત્તિ ધરાવનાર પ્રભાતાઈ સમયાંતરે પોતાની ગાયકીને તો સંપન્ન કરતાં આવ્યા જ છે સાથે પોતાના કલાવિષયક વિચારો અને અનુભવોને ગ્રંથસ્થ પણ કરતાં આવ્યા છે. તેમની સંગીત સાધના અને ગાયકી વિશેની સમજ સાથે તેમની જીવન ઝરમર રજુ કરતું આવું જ એક પુસ્તક એટલે વિદુષી પ્રભા અત્રેની આત્મકથા ‘સ્વરમયી’. જે તેમનાં આત્મચરિત્રની સાથે તેમની આંતર-બાહ્ય સંગીત યાત્રા વિષે વિસ્તારપૂર્વક વાત કરે છે.
જેમાં તેઓ વાત કરે છે ખયાલ ગાયકીમાં હંમેશા આવિષ્કાર કરવા પ્રેરતા તેમનાં ગુરુઓ વિષે. એક વ્યવસાયિક ગાયક બનવા માટે વિવિધ કલાકારો પાસેથી મળેલ માર્ગદર્શન વિષે. માત્ર રેકોર્ડ સાંભળીને જેમની ગાયનશૈલીથી પ્રભાવિત થઈ ગુરુપદ આપ્યું એવા ઉસ્તાદ અમીર ખાંનાં ખરજ વાળા અવાજ અને વિશિષ્ટ રજૂઆત વિષે. તો ઉસ્તાદ બડે ગુલામ અલી અને પંડિત ભીમસેન જોશી જેવા દિગ્ગજો સાથેની નાની પણ આત્મીય મુલાકાતો વિષે.
પ્રભાતાઈ આ પુસ્તકમાં કિરાના ઘરાનાની ખાસિયતોની સાથે અન્ય સંગીત ઘરાનાઓનો પરિચય કરાવે છે. એક સફળ ગાયક માટે રીયાઝની સાથે સંગીતનો વિચાર કે કલ્પના પણ કેટલાં જરૂરી છે એ વિષે પણ વાત કરે છે. સાથે એક ગાયિકાથી લઈને સંગીત રચનાઓ રચવા સુધીની પોતાની ઉપલબ્ધી વિષે વાત કરે છે.
આ પુસ્તકમાં શાસ્ત્રીય સંગીતના અંતરંગ પાસાંની વિસ્તૃત જાણકારી તો છે જ. સાથે સંગીતસાધના, કલા આવિષ્કાર, કલાકારનાં વ્યક્તિગત વલણને ઉજાગર પણ કરાયા છે. મૂળ મરાઠીમાં લખાયેલ આ પુસ્તકને ગુજરાતનાં સંગીતપ્રેમીઓ અને અભ્યાસુઓ સુધી પહોંચાડવા પ્રભા અત્રેનાં શિષ્યા જાનકી મીઠાઈવાલાએ તેનો ગુજરાતી અનુવાદ કર્યો છે.
Product Details
- Pages:172 pages
- Language:Gujarati
- Format:Paperback