પૂર્ણદર્શિત કવિતા
PoornaDarshit Kavita
મૂળ સાથે જેમનો મેળ છે અને સત સાથે સુમેળ છે એવા આપણી ભાષાના મૂર્ધન્ય કવિ ચંદ્રકાન્ત શેઠ દસ વર્ષની વયે મહાત્મા ગાંધીથી પ્રભાવિત ચંદ્રકાન્ત ‘એવા બાપુ અમર રહો’ કાવ્ય સાથે પરખે છે પોતાનામાં રહેલી કવિપ્રતિભાને.
‘ક્યાં છો ચંદ્રકાન્ત?’ સ્વયંને પુછાયેલા આ પ્રશ્ન સાથે સ્વયંને શોધવા નીકળેલા કવિ પોતાની અવિરત સર્જનયાત્રા આરંભે છે અને ત્યાં સુધી વિસ્તારે છે જ્યાં સુધી ચંદ્રકાન્તનો ભાંગીને ભુક્કો ન થઈ જાય. ઉમાશંકર જોશી, અનંતરાય રાવળ અને નગીનદાસ પારેખ જેવા કાવ્યગુરુઓએ તેમનામાં શુદ્ધ કવિતાનાં બીજ રોપ્યાં છે, જેના કારણે તેઓ ‘પવન રૂપેરી’ પર સવાર થઈ ‘ઊઘડતી દીવાલો’ને ઠેકી ‘પડઘાની પેલે પાર’ પહોંચે છે. લાભશંકર ઠાકર જેવા મિત્રના સૂચને ‘કુમાર’ અને ‘બુધસભા’નું પગથિયું ચડે છે અને એમના માટે ખૂલી જાય છે ‘ગગન ખોલતી બારી’. આશાથી નિરાશા સુધીના, હાસ્યથી શોક સુધીના, વાકથી અવાક સુધીના અનેક ભાવ સાથે તેઓ ‘એક ટહુકો પંડમાં’ પાડી કહે છે ‘શગે એક ઝળહળીએ’. પરસ્પર સંવેદનશીલતા ગુમાવી બેઠેલા સમાજની વચ્ચે કવિ પોતાના મનમાં રહેલો મૂંઝારો પણ પ્રગટ કરે છે. આમ ‘ઊંડાણમાંથી આવી ઊંચાણમાં લઈ જાય’ તેવા વિચારો સાથે ‘જલ, વાદળ અને વીજ’ સાથે વિહાર કરી ‘ભીની હવા ભીના શ્વાસ’ શ્વસી ‘ગગનધરા પર તડકા નીચે’ અંતરનો આનંદ માણે છે. ક્યારેક સૃષ્ટિની લીલાને અંદર પ્રવેશીને તો ક્યારેક બહાર રહીને નિહાળે છે અને ક્યારેક જાતને તો ક્યારેક જગતને ફંફોસ્યા કરી જગાવતા રહે છે પરમ ચેતના અને આ ચેતના તેમને ‘ચિદાકાશનાં ચાંદરણાં’ તળે ‘હદમાં અનહદ’ની પ્રાપ્તિ કરાવે છે. આમ ‘શબ્દમાં મૌન મૌનમાં શબ્દ’નો અહેસાસ મેળવતાં જીવનના અંતિમ શ્વાસ સુધી કવિકર્મને વરેલા ચંદ્રકાન્ત શેઠ વાચકોને આપતા જાય છે ‘શ્વાસ કવિતાના પ્રાસ પ્રભુતા’ના. ગુજરાતી સાહિત્યમાં અગ્રિમ કવિનું સ્થાન શોભાવતા આજના સમયના આ મૂર્ધન્ય કવિનું સર્જન જાણવા, માણવા અને વસાવવા જેવું છે.
પ્રસ્તુત છે કવિ ચંદ્રકાન્ત શેઠનાં સમગ્ર કાવ્યો હવે એક સંગ્રહ સ્વરૂપે જેમાં સામેલ છે 1972થી લઈને 2024 સુધીના પાંચ દાયકા દરમિયાન પ્રસિદ્ધ થયેલા 14 કાવ્યસંગ્રહોનાં તમામ કાવ્યો એકસાથે. ‘પૂર્ણદર્શિત કવિતા’
Product Details
- Pages:512 pages
- Language:Gujarati
- Format:Hardback