ભદ્રાયુ વછરાજાની
નિયતિએ ઓશોની જીવની અંગેના આ પુસ્તકનું ભાવિ પંચાવન વર્ષ પહેલાં નક્કી કર્યું હશે!! પંદર સત્તર વર્ષની તરુણાવસ્થામાં બહુ જ નાના સમૂહની વચ્ચે બેસીને શ્રી રજનીશજીને મુખોમુખ સાંભળવાનો લ્હાવો મળેલો. એ સમયે એ તરુણના દિલોદિમાગ ઉપર શ્રી રજનીશ ભવિષ્યમાં ધુરંધર વિભૂતિ બની રહેશે તેવી એક છાપ પડી ગઈ હતી. પછી તો અનેક જીવન પ્રસંગોમાં અનુકૂળતાઓ થતી ગઈ. વાંચન અને વિચારણાની ભૂમિ ઉપર ઓશોના જીવનની સતત ઝાંખી થતી રહી. ધીમે ધીમે ઓશોની અનેક શિબિરોમાં તેમના વક્તવ્યોને સાંભળી વિચારીને એ બુદ્ધપુરુષના જીવન વિશે વધુને વધુ જાણવાની ઘટના ઘટતી રહી. પરિણામ એ આવ્યું કે ઓશોની ચિંતન શૈલીએ લેખકને બરાબર ઘેરી લીધા.
સાવ અચાનક ઓશોના અતિ પ્રિય શિષ્ય ‘સ્વામી શ્રી સત્ય વેદાંત’ સાથે રહેવાનું નિયતિએ ગોઠવી આપ્યું... અને ઓશો વિશેની સાચી હકીકતોનો ‘કુતૂહલ ખજાનો’ ખુલ્યો અને સત્ય આધાર સાથે ઓશો જીવનીથી સુપેરે સંતૃપ્ત થવાયું. પછી તો ગાંઠ વાળી લીધી કે, પોતાના જીવનની પરિપૂર્ણતા આપણને અર્પણ કરનાર આ વિભૂતિના જીવનનો સાર આપણે સમાજ સમક્ષ મૂકવો જોઈએ.
એ રજનીશ જ્યારે ‘ઓશો’ બન્યા ત્યાં સુધીની દરેક ઘટનાની આજુબાજુ રહેલા જીવન પ્રસંગોની ખરાઈ કરીને તારવી લઈને સાચવી લેવાનું કામ સતત ચાલતું રહેલું.
આશ્ચર્ય એ વાતનું હતું કે, ઓશો વિશે અનેક ચિત્ર વિચિત્ર વાતો સાંભળવા મળતી હતી. એક પ્રકારની મૂંઝવણ હતી કે જે વ્યક્તિ મનનો કબજો લઈને બેઠી છે એ વ્યક્તિના જીવન વિશે અનેકવિધ વાતો કેમ સાંભળવા મળે છે? આ જીજ્ઞાસામાંથી જન્મ થયો ‘ઓશોની આસપાસ’ પુસ્તકનો.