ધીરેન્દ્ર મહેતા
માનવીને પગ મળ્યા અને સાથે પ્રવાસ પણ મળ્યો અને એ ધરતી અને આકાશનો ખૂણેખૂણો ખૂંદી વળ્યો. પરંતુ ધીરેન્દ્રભાઈનો કિસ્સો અપવાદ છે. પોલિયોના કારણે ચાલવાની શક્તિ ગુમાવી બેઠેલા ધીરેન્દ્રભાઈ માટે દુનિયા જાણે સ્થિર થઈ ગઈ હતી. પરંતુ હિંમત હાર્યા વગર ધીરેન્દ્રભાઈએ પોતાની જાતને પડકાર ફેંક્યો, અને તેમણે શારીરિક મર્યાદાઓને અતિક્રમીને પ્રવાસ આદર્યો. એક સાહિત્યકાર હોવાના નાતે તેઓ પોતાના પ્રવાસોને વાર્તાનું સ્વરૂપ આપતા ગયા. પરિણામે આપણને આ પુસ્તક મળી રહ્યું છે. તેમણે આખા ભારતનો પ્રવાસ ખેડ્યો. અને ઉંમરનો એક પડાવ પસાર કર્યા બાદ તેમણે વર્ષોથી યુ.કે.માં રહેતાં તેમનાં પુત્રીની મદદથી યુ.કે.નો દીર્ઘ પ્રવાસ પણ પૂરો કર્યો. દરેક પ્રવાસની સાથે પોતાનામાં રહેલા પ્રવાસીને પ્રબળ બનાવતા જતા ધીરેન્દ્ર ભાઈએ સ્થળોને આત્મસાત્ કર્યાં છે. આ અનુભવોને માત્ર પ્રવાસવર્ણનના રૂપે કહેવા કરતાં તેમણે પ્રવાસવાર્તા તરીકે નિરૂપ્યા છે. વળી એમાં અંગત જીવનની વાતો, સ્મરણમાં ડોકાઈ જતા પ્રસંગો અને વ્યક્તિઓ, જાગી ઊઠેલાં સંવેદનો, કલ્પનાઓ અને મંતવ્યો પણ ઉમેરતા રહ્યા. એટલું પૂરતું ન હોય એમ કેટલીક પ્રવાસવાર્તાઓ એમની આત્મકથાનો ભાગ બને છે, તો ક્યાંક નવલકથા, પ્રસંગકથા કે ચરિત્રનિબંધ પણ બની જાય છે. પ્રકૃતિ, સંસ્કૃતિ અને માનવીય સંબંધોના ત્રિવેણી સંગમથી છલોછલ આ વાર્તાઓમાં ધીરેન્દ્રભાઈની વિચારશીલ પ્રકૃતિ, અભ્યાસવૃત્તિ, નિરીક્ષણશક્તિ અને માનવમનને જાણવાની ઉત્સુકતા પ્રગટ થયા વિના રહેતા નથી.પૃથ્વી પર ફેલાયેલાં વૈવિધ્યસભર પ્રવાસન સ્થળોને રોમાંચક અને આહ્લાદક અનુભવોમાં શબ્દબદ્ધ કરતી આ પ્રવાસવાર્તાઓ વાચકને પણ પ્રવાસી બનાવી દે છે.