કેટલાક જાણીતા, કેટલાક ઓછા જાણીતા, તો કેટલાક સાવ નહીં જાણીતા લોકો જેમણે સમાજજીવનમાં અસાધારણ કામ કર્યું હોય છે. જેમણે ઓછાવત્તા અંશે વિલક્ષણ અને અસાધારણ જીવન જીવી જાણ્યું છે. આવા જ લોકોનાં જીવનચરિત્રોને પ્રસાદરૂપે અર્પણ કરે છે ઊજમભાઈ પટેલ પોતાના નવા પુસ્તક ‘પંચાજીરી’માં. આ પુસ્તકમાં સામેલ છે ૨૧ એવા શિક્ષકો, સાહિત્યકારો, અધ્યાપકો, શિક્ષણવિદો અને સમાજસેવકો જેમણે પોતાની નિઃસ્વાર્થ સેવાથી સમાજના ઘડતરમાં અનન્ય ફાળો આપ્યો છે. વિવિધ ક્ષેત્રોના આ મુઠ્ઠીઊંચેરા માનવીઓનાં જીવનચરિત્રો આપણા માટે પ્રેરણાદાયી છે. તેમનાં જીવનમૂલ્યો અને આદર્શોએ સમાજના ચારિત્ર્યઘડતરમાં અમૂલ્ય ફાળો આપ્યો છે. તેમના જીવનની મહત્ત્વની ઘટનાઓને ઊજમભાઈએ જહેમત ઉઠાવીને એકત્ર કરી આપણી સમક્ષ રજૂ કરી છે. જે-તે વ્યક્તિના વતનના સ્થાનિક ઇતિહાસ, સંસ્કૃતિ, ભાષા-બોલી, વેશભૂષાને રસપ્રદ ગૂંથણી દ્વારા દરેક લેખમાં વણી લેવામાં આવ્યાં છે, જે પુસ્તકને વધુ આસ્વાદ્ય બનાવે છે. પુસ્તકમાં સમાવિષ્ટ ચરિત્રલેખો પાછળ લેખકનું ગહન અધ્યયન, સંશોધન, વ્યાપક વાંચન-ચિંતન જણાઈ આવે છે. સાથે જે-તે વ્યક્તિવિશેષની જીવનગાથા અને આંતરસત્ત્વ તેમ જ સાધનાને ઉજાગર કરી આપતા આ ચરિત્રલેખો આજના સમાજ માટે દીવાદાંડી બની રહે છે. આમ દરેક વ્યક્તિના વ્યક્તિગત જીવનની સાથે સમાજનાં ઐતિહાસિક, સાંસ્કૃતિક અને સામાજિક પાસાંને ઉજાગર કરતું આ પુસ્તક માહિતીના દસ્તાવેજીકરણની દૃષ્ટિ એ સાહિત્યિક મૂડીરૂપ સાબિત થશે.