જીવરામ જોશી
એક ધનવાન શેઠની દીકરી રેણુ પરિવાર સાથે પોતાને ગામ દિવાળીની રજાઓ ગાળવા જાય છે. એ વિસ્તારમાં જેની ભયંકર ધાક હોય છે એવો ડાકુ ગુલુ સરદાર તેના ઘર પર ધાડ પાડવા આવે છે, પરંતુ રેણુ ડાકુની ટુકડીનો વીરતાપૂર્વક સામનો કરી પોતાની હિંમતનો પરચો બતાવે છે. રેણુની બહાદુરીથી આશ્ચર્ય પામી ગુસ્સે થયેલો ગુલુ સરદાર તેને ઉપાડી પોતાના રહેઠાણે લઈ જાય છે. નાની રેણુનું માથું ઉડાવી તેને સજા આપવા તત્પર ગુલુ સરદાર તેની નિર્દોષતા અને નિર્ભયતા સામે હારી જાય છે અને તેને પોતાની દીકરી બનાવી લે છે. આ જ દીકરી એક દિવસ તેના દુશ્મનના હાથે પકડાઈ જાય છે અને શરૂ થાય છે તેને છોડાવવા માટે રસાકસીભર્યો જંગ. આ વાર્તા છે બે ખૂંખાર ડાકુઓ વચ્ચેની શત્રુતા અને તેની વચ્ચે આકાર લેતા પિતા પુત્રીના પ્રેમની. આ વાર્તા છે શૂરવીરતા, વફાદારી, ચતુરાઈ અને પ્રામાણિકતાની.
ગમે તેવા ભય સામે સત્ય ડરતું નથી. પ્રેમથી ભલભલા દુશ્મનોને જીતી શકાય છે. મુસીબતનો સામનો હિંમતથી કરો તો જીત અચૂક મળે છે.
આવા અનેક પાઠ ભણાવતી શૂરવીરતા અને રોમાંચથી ભરપૂર આ વાર્તાનું પુસ્તક સ્થળ, પાત્રો અને લડાઈનાં અદ્ભુત વર્ણનો બાળકોને એક રોમાંચભરી સફર કરાવી તેમનું ભરપૂર મનોરંજન કરે છે. મોબાઇલ પર ગેમ્સ રમતી આજની નેટ-જનરેશન માટે આ સચિત્ર વાર્તા ઉત્તમ વાંચનસામગ્રી સાબિત થશે.