રમણ સોની
૧૨મીથી ૧૯મી સદી સુધીનું ગુજરાત એ મધ્યકાલીન ગુજરાત. આ સમયગાળામાં રચાયેલું સાહિત્ય પણ મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય કહેવાયું. આ પુસ્તકના માધ્યમથી સંપાદક અને વિવેચક શ્રી રમણભાઈ સોની આ ૭૦૦ વર્ષ દરમિયાન રચાયેલા ઉત્તમ સાહિત્યના ઐશ્વર્યને આપણા સુધી પહોંચાડે છે. મધ્યકાલીન સાહિત્યયુગને વ્યાખ્યાયિત કરવાથી માંડીને તેમાં રહેલા ભક્તિભાવની સાથે સાંસ્કૃતિક વલણો, પ્રજાજીવનના ભાવો, સામાજિક રીત-રિવાજો, અંગત ઊર્મિઓની અસર વિશે વિસ્તૃત ભૂમિકા બાંધે છે.
રમણભાઈએ આજે અધ્યયન અને અધ્યાપન ક્ષેત્રે થઈ રહેલી મધ્યકાલીન સાહિત્યની ઉપેક્ષા વિશે પોતાની ચિંતા વ્યક્ત કરવાની સાથે આજના વિદ્યાર્થીઓની તેમાં રસરુચિ કેળવવા અંગે પોતાનાં અમૂલ્ય સૂચનો આપ્યાં છે. આ ઉપરાંત ૨૦મી સદીના આરંભે પ્રવૃત્ત વિવેચક અને સંશોધક શ્રી કેશવલાલ હ. ધ્રુવના મધ્યકાલીન સાહિત્યવિષયક સંશોધન વિશે ઊંડાણપૂર્વક વાત કરી છે. મહદ્અંશે હસ્તપ્રતોમાં સચવાઈ આવેલા મધ્યકાલીન યુગના સાહિત્યને હસ્તપ્રતવાંચન અને સંશોધન દ્વારા ફરીથી જીવંત બનાવવા માટે પોતાના વિચારો રજૂ કર્યા છે.