જે. એસ. રવિચંદ્ર
સ્વર્ગ એટલે શું? એક એવી જગ્યા જ્યાં માત્ર સુખ હોય. કર્ણપ્રિય સંગીત, નૃત્ય કરતી અપ્સરાઓ અને એવું બધું, ખરું ને? પરંતુ સાચું કહો તો, સાંપ્રત સમયમાં સ્વર્ગની વ્યાખ્યા બદલવાનો સમય આવી ગયો છે. સ્વર્ગ એટલે જ્યાં લીલીછમ વનરાજી, નિર્મળ પાણીના સ્રોત, શુદ્ધ હવા હોય, જ્યાં જીવનશૈલી સાદી અને સરળ હોય, પ્રાણીમાત્ર પ્રત્યે પ્રેમ અને આદર હોય, અન્યને મદદ કરવાથી અનુભવાતાં શાંતિ અને આનંદ હોય અને સુખ અને દુઃખને સાહજિક રીતે સ્વીકારવાની મનોવૃત્તિ હોય. આપણને આવી જ એક નવી દુનિયાની સફરે લઈ જાય છે એક કિશોર.
અગિયાર વર્ષનો એક કિશોર કોવિડની મહામારી દરમિયાન ઘરમાં પુરાઈ એકલતા અને ગૂંગળામણ અનુભવતો હોય છે. એવામાં એક દિવસ એની સાઇકલનાં પૈડાં એને એક નવા વિશ્વમાં લઈ જાય છે જેનું નામ છે સર્ગ. પ્રકૃતિનું સંરક્ષણ અને સંવર્ધન અને સૌ પ્રત્યે સહાનુભૂતિ જેવા ઉમદા સિદ્ધાંતો પર ચાલતું આ વિશ્વ કિશોરને અભિભૂત કરી મૂકે છે અને પોતાની પૃથ્વીને પણ સર્ગ જેવું બનાવવા માટે પ્રેરે છે. સતત દોડતા-ભાગતા અને કુદરતી સંસાધનોનો દુર્વ્યય કરતા મનુષ્યને અટકી જઈ સમાજ અને પ્રકૃતિ સાથે એકસૂત્રતા સાધી આદર્શ જીવન જીવવાની પ્રેરણા આપે છે.
ઝેન ઓપસ પ્રસ્તુત કરે છે પ્રકૃતિના સંરક્ષણ અને સંવર્ધનનો સંદેશ આપતી પર્યાવરણકથા ‘સર્ગ : તમારુ વિશ્વ’. ભવિષ્યની પેઢીને પર્યાવરણ પ્રત્યે જાગરૂક બનાવતું, સુંદર ચિત્રો અને રંગોથી સજ્જ આ પુસ્તક આબાલવૃદ્ધ દરેક વાચકને સ્પર્શી જશે.