Loading cart...
ગુજરાતી સાહિત્યના વરિષ્ઠ વાર્તાકાર, નવલકથાકાર, વિવેચક અને સંપાદક રમેશભાઈ દવે પોતાની અંગત સ્મૃતિઓ અને સંવેદનાઓને વણીને તેને નિબંધોનું સ્વરૂપ આપે છે. સંસ્મરણો અને સંવેદનાઓના તાણાવાણા સ્વરૂપ આત્મકથાનક નિબંધોની હારમાળા એટલે પુસ્તક ‘સૂકી ભીની સાંભરણો’.
પોતાનાં નાની એટલે કે મોટીબા સાથે વિતાવેલી બાળપણની અમૂલ્ય પળોથી શરૂ થતું આ પુસ્તક અન્ય કુટુંબીજનો સાથેના નિકટના ગાઢ સંબંધો અને તેમની સાથેની પારિવારિક આત્મીયતાની ઊર્મિસભર છબી રજૂ કરે છે. આ પારિવારિક પૃષ્ઠભૂમિમાં તેમના મામા અને સુપ્રસિદ્ધ લેખક મનુભાઈ પંચોળી ‘દર્શક’ની ગાંધીવાદી વિચારધારાનો પરિચય પણ મળી આવે છે. નાની ઉંમરે વિધવા બનેલાં તેમનાં માતાનું સંઘર્ષમય જીવન લેખકમાં પણ ધીરજ, સહનશીલતા અને સ્વાભિમાનના ગુણોનું સિંચન કરે છે. શિક્ષક થવાની હંમેશાં પ્રેરણા આપતા મોટા ભાઈ પ્રબોધભાઈનું પ્રેરક વ્યક્તિત્વ અને તેમનું આકસ્મિક મૃત્યુ લેખકના જીવનમાં નવો વળાંક આપે છે. નાનાભાઈ ભટ્ટ દ્વારા સંચાલિત પ્રસિદ્ધ લોકભારતી ગ્રામવિદ્યાપીઠના વિદ્યાર્થી રહેલા રમેશભાઈના જીવનઘડતરમાં સંસ્થાના અમૂલ્ય યોગદાનની રસપ્રદ વાત આ લેખોમાં છે. શિક્ષણકાળ દરમિયાન ઘર, શેરી અને નિશાળનાં તોફાનોના પ્રસંગોમાં તેમનું બાળસહજ વ્યક્તિત્વ જોવા મળે છે. લેખકનાં મતે તેમણે તેમની બુનિયાદી તાલીમ દરમિયાન કરેલી સફાઈ, બાંધકામ, ખેતીવાડી જેવી વિવિધ પ્રવૃત્તિઓ તેમના સર્વાંગી વિકાસનો પાયો ચણે છે. અહીં તેમનું જમીન સાથેનું જોડાણ અને પ્રાણી પ્રત્યેની કરુણા ઊભરી આવે છે. સ્નાતક થયા પછી શિક્ષણકાર્યની શરૂઆત, એકસાથે ત્રણ કૉલેજોમાં ભણાવવાનો પડકાર અને ગુજરાતી સાહિત્યના ઇતિહાસના દસ્તાવેજીકરણનો અવસર તેમની લેખનપ્રવૃત્તિનાં વિવિધ પાસાંને ઉજાગર કરે છે. આ દરમિયાન વિવિધ સાહિત્યકારો સાથે કેળવાયેલી મિત્રતા અને ઘરોબો તેમના માટે કેટલાં મહત્ત્વનાં બની રહે છે તેની રસપ્રદ વાત આ નિબંધોમાં મળે છે.
આ સંભારણાં અને તેમાં રહેલી સંવેદના રમેશભાઈની સાહિત્યસર્જક બનવા સુધીની સફરને વિશિષ્ટ બનાવે છે. પ્રવાહી અને રસપ્રદ શૈલીમાં આલેખાયેલાં આ સંસ્મરણો જીવંત બની ઊઠે છે.