બે પેઢી વચ્ચે વધતો જતો જનરેશન ગૅપ આજના સમયે સર્વસામાન્ય અને સર્વવ્યાપી પ્રશ્ન છે. આજીવન નોકરી કે ધંધો કરી જીવન ગુજારતા મધ્યમ વર્ગીય પરિવારની એક પેઢી માતા-પિતાની સેવા પણ કરે અને જવાબદારીઓ પણ નિભાવે, પરંતુ એ જ પેઢીનાં સંતાનો વૃદ્ધાવસ્થામાં તેમને તરછોડી દે છે. આવા જ એક વૃદ્ધદંપતીની વ્યથાને વાચા આપતી નવલકથા એટલે જિતેન્દ્રભાઈ દવે લિખિત ‘એક સિનિયર સિટિઝન’.
પિતાના અવસાન બાદ તેમના ગામનું મકાન વેચી, પૈસાની રોકડી કરી, તેમની સ્મૃતિઓથી કાયમ માટે છેડો ફાડવા અધીરો બનેલો દીકરો ગામ પહોંચે છે. પિતાએ મકાન તો પોતાની હયાતીમાં જ ગામની સ્કૂલને દાનમાં આપી દીધું છે. મકાન હાથમાંથી સરી જવાના આઘાતથી યુવક હચમચી ઊઠે છે. આ સમયે પિતાએ તેને માટે લખેલો પત્ર મળે છે, જેમાં તેમની આખરી ઇચ્છા પ્રગટ થઈ છે. પોતાના જીવનના તમામ પ્રસંગો અને અનુભવોને સમાવતી એક ડાયરી પુત્ર પુસ્તક રૂપે પ્રકાશિત કરે. નિવૃત્તિ બાદ પોતાનું ઘર અને ઘણી ખરી મૂડી પુત્રને સોંપવાના બદલામાં ઉપેક્ષાનો ભોગ બનેલા વૃદ્ધ પોતાને ગામ જઈ એક નવી શરૂઆત કરે છે. પોતાની ઇચ્છાશક્તિ અને ઉમદા ભાવનાથી ગામને ઉપયોગી બની સન્માનનીય સ્થાન મેળવે છે.
આ નવલકથા સાચા અર્થમાં બદલાતા સમાજજીવનનું દર્પણ છે. સંતાનો માટે બલિદાન આપનાર અને બદલામાં તેમના તરફથી જાણે-અજાણે થતા અન્યાયને મૂંગા મોઢે સહન કરતા વૃદ્ધોની વ્યથાનો દસ્તાવેજ છે. બોલચાલની ભાષા અને ભાર વગરની શૈલીમાં લખાયેલી આ નવલકથાનો પ્રવાહ એકીબેઠકે વાંચવાની ઉત્સુકતા જગાવે છે. ન્યુક્લિયર ફૅમિલીના જમાનામાં તૂટતાં જતાં સંયુક્ત કુટુંબોની વરવી વાસ્તવિકતા રજૂ કરતી આ નવલકથા ફક્ત સિનિયર સિટિઝન્સને જ નહીં, પરંતુ યુવાનોને પણ સ્પર્શી જશે.