ભારત આંદોલનનો દેશ રહ્યો છે. વિદ્યાર્થીઓથી લઈને કિસાનો સુધી, મજૂરો અને શ્રમજીવીઓથી લઈને સામાન્ય નાગરિકો સુધી. દરેક વર્ગે પોતાને થતા અન્યાય સામે અવાજ ઉઠાવ્યો છે. કોરોનાની મહામારી દરમિયાન ગુજરાતના એક ગામમાં આકાર લેતી આવી જ એક કિસાન ચળવળ અને તેના સંઘર્ષની ગાથા એટલે પ્રાગજીભાઈ ભામ્ભીની નવલકથા ‘નેજાધારી’.
૭૦ વર્ષના એક નિવૃત્ત કૉલેજ અધ્યાપક, બાળપણમાં વેઠેલા અન્યાયો અને અસમાનતાના કારણે સમાજ અને સત્તા સામે અવાજ ઉઠાવવાની હિંમત એકઠી કરી બને છે કિસાનોના નીડર નેતા. કોરોના મહામારી જ્યારે પોતાની ચરમસીમા પર હતી ત્યારે પોતાના હક્કો માટે મૂડીવાદી સત્તા સામે સંગઠિત થઈને એક આંદોલનની શરૂઆત કરે છે. ખેડૂતો અને શ્રમજીવીઓની એકતા સાથે અસ્પૃશ્યતાના ડાઘને દૂર કરવા તેમ જ જ્ઞાતિના ભેદભાવોને જડમૂળથી ઉખાડી નાખવા સૌ ભેગા મળીને અવાજ ઉઠાવે છે. આંદોલનમાં જોડાય છે મધ્યમવર્ગીય શિક્ષિત ખેડૂતો, મહિલાઓ અને સક્રિય યુવાનો. પરંતુ સત્તાના નશામાં અંધ બનેલી સરકાર પોલીસની ધમકીઓ અને સામ-દામ, દંડ, ભેદના જોરે આંદોલનને નબળું પાડવાના પૂરા પ્રયાસ કરે છે. માર્ક્સવાદી વિચારધારાને સ્થાપિત કરવા કરાયેલો આ સામાજિક સંઘર્ષ શું સફળ થશે? તેનો જવાબ નવલકથાના ક્લાઇમેક્સમાં છે.
‘નેજાધારી’ નવલકથા માત્ર કિસાન આંદોલનની વાત નથી, પરંતુ નિર્ભયતા, સામાજિક સમરસતા અને માનવીય મૂલ્યોની શોધ કરાવતી એ ઉત્તમ અને સોશિયો-પૉલિટિકલ ગુજરાતી નવલકથા છે. કથાનાં પાત્રો સરકાર અને તંત્ર સામે બાહ્ય સંઘર્ષ તો છેડે જ છે, પરંતુ તેમની લઘુતાગ્રંથિ અને સંસ્કારો સામે લડાતો એક આંતરિક સંઘર્ષ પણ નવલકથાનો ગર્ભિત સૂર છે. સરળ લેખનશૈલી છતાં ગંભીર વિચારણાથી ભરેલું પ્રાગજીભાઈનું ગદ્ય પોતાના આત્મકથનાત્મક અનુભવોને નવલકથાનું સ્વરૂપ આપતું જણાય છે. સમાજના હાંસિયામાં ધકેલાઈ ગયેલા લોકોના પ્રશ્નોને વાચા આપતી આ નવલકથા મૂળ સાથે જોડાઈને રહેલા સમાજનું દર્શન કરાવે છે.