Loading cart...
કહેવાય છે દુનિયાનો છેડો ઘર. માણસ દુનિયાના કોઈ પણ છેડે કેમ ન ફરતો હોય, સાંજ પડ્યે તેને ઘર યાદ આવતું હોય છે. ઈંટ, રેતી અને કપચીથી ચણાયેલા મકાનમાં જ્યારે હૂંફ અને પ્રેમ ભળે ત્યારે તે ઘર બને છે. માણસના જીવનના અભિન્ન અંગ સમાન ઘરને કેન્દ્રમાં રાખીને કવિ શ્રી રમણીકભાઈ અગ્રાવત સર્જે છે અછાંદસ કાવ્યસંગ્રહ ‘સુખની લિપિમાં લખાતું ઘર’.
કવિને ઘર અને તેનો અસબાબ પ્રિય છે. જેના આંગણામાં બાળપણ વીત્યું, જેના ઓરડા યુવાનીના રંગબેરંગી પ્રણયના સાક્ષી બન્યા અને જેની ઓસરી વૃદ્ધાવસ્થામાં સહારો બની એ ઘરની વાતો કવિને સાંભરી આવે છે અને ઉંમરની આ તમામ અવસ્થાઓ અને તેનાં સંવેદનોને કવિ આ કાવ્યોમાં અભિવ્યક્ત કરે છે. સંગ્રહનાં શરૂઆતનાં કાવ્યો પંચમહાભૂત તત્ત્વોથી બનતા ઘર પર આધારિત છે. ત્યાર બાદ કવિ ઘર બનાવતા કારીગરોની ભાવનાઓને પણ સંવેદીને કાવ્ય રચે છે. ગૃહપ્રવેશ વખતનો આનંદ, વિવિધ ખૂણે ગાળેલો સમય અને કરેલી પ્રવૃત્તિઓ તેમનાં કાવ્યોના વિષય બને છે. સુખદુઃખ, ઘરથી દૂર રહેવાની પીડા, ઘરનો તાળા-ચાવી સાથેનો સંબંધ, અગાશીએથી માણેલી સાંજો, સવારો અને રાતો પણ કવિને ઉત્સુક કરે છે. જીવનની ઢળતી સંધ્યાએ મૃત્યુની રાહ જોતાં વિતાવેલી ક્ષણોએ સાથ આપતું ઘર પણ કવિ ભૂલ્યા નથી. જેમ ઘર એમાં વસનારનું પ્રતિબિંબ હોય છે તેમ આ કાવ્યો પણ કવિએ ઘર સાથે ઊજવેલી દરેક ક્ષણનું પ્રતિબિંબ છે. માનવી અને ઘર વચ્ચેનો આ અવિભાજ્ય સંબંધ કવિએ કાવ્યાત્મક રીતે આ સંગ્રહના માધ્યમથી ગાઢ બનાવ્યો છે.
ઉંમરના દરેક પડાવ અને જીવનની દરેક ક્ષણ સાથે જોડાયેલા તાણાવાણાને કાવ્યબદ્ધ કરતો આ સંગ્રહ વાચકોને ઘરમાં આલેખાતી સુખની લિપિથી તરબતર કરી મૂકશે.