રમણીક સોમેશ્વર
અંતરના ઊંડાણમાં પડેલા ભાવોની તીવ્રતા વિવિધ ભૌતિક પ્રતીકોના સહારે શ્રી રમણીકભાઈ આ અછાંદસ કાવ્યોના માધ્યમથી અભિવ્યક્ત કરે છે.
ઓરડામાં મુકાયેલા ટેબલ પર ઊગી નીકળે છે કેટલીય સંવેદનાઓ, ઝૂલણખુરશી પર ઝૂલે છે મનના તરંગો, કાગળ પર ઊતરી આવે છે અવનવાં સ્પંદનો અને વર્ષોથી હૃદયમાં એકઠા થયેલા અકથ્ય ભાવો પામે છે કવિતાનું સ્વરૂપ.
આ કાવ્યઝૂમખાંમાં કવિના આંતરબાહ્ય દ્વંદ્વના અંતે શબ્દબદ્ધ થયેલા ભાવો જોવા મળે છે. ‘ઘર’, ‘ભીંતો’, ‘અરીસા’ અને ‘પડછાયો’ કાવ્યઝૂમખાંમાં જીવનની વાસ્તવિકતા અને માનવીય સંવેદનોને વાચા આપવામાં આવી છે. પોતાની આસપાસ જિવાતા જીવનનાં નિરીક્ષણોના આધારે વિવિધ વ્યક્તિગત પ્રસંગો અને ઘટનાઓમાં કાવ્યતત્ત્વનો સંચાર કરી અદ્ભુત કાવ્યો પીરસ્યાં છે રમણીકભાઈએ. સૂચક અને સટીક કાવ્યબાની બહુ બોલકી ન હોવા છતાં એક ચોટદાર અસર ઊભી કરી જાય છે.
આજના સમયની વિડંબણા અને મૂંઝારાને વાચા આપતાં આ કાવ્યો રસિકોને અનોખા ભાવજગતની સેર કરાવશે.