Loading cart...
સૌરાષ્ટ્રના કોઈ ગામના પાદરે મળતા પાંચ-સાત મિત્રોમાં રઘો બધાથી અલગ કરી આવે છે. પોતાના સ્વભાવ અને વર્તનના કારણે રઘો નિબંધસંગ્રહોનું કેન્દ્રીય પાત્ર બન્યો છે. થોડો ઉતાવળો, હદ બહારનો હરખપદૂડો (ઉત્સાહી) અને લાગણીશીલ હોવાની સાથે રઘો ઉંમર વીતી ગયા પછી પણ લગ્નોત્સુક પણ છે. સામાજિક દૃષ્ટિએ મૂર્ખ જણાતો રઘો પોતાની વાતો અને પ્રતિક્રિયાઓ દ્વારા નિર્દોષ અને વ્યંગસભર હાસ્ય નિપજાવતો જાય છે. એના આવા જ ચિત્રવિચિત્ર અને રમૂજી પ્રસંગોનું આખ્યાન એટલે ‘રઘાયણ’. ચોરે બેઠેલા રઘા અને એની મિત્રટોળકી માટે રોજબરોજની સામાજિક, રાજકીય અને પ્રાકૃતિક ઘટનાઓ ચર્ચાનો વિષય બને છે. ક્રિકેટની મૅચ, ફિલ્મની વાર્તાથી લઈને રાજકીય બનાવો અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય ઘટનાઓ પર આ ટોળકી પાસેથી અઢળક એક્સપર્ટ કૉમેન્ટ્સ મળી આવે છે, જેમાં રમૂજનો મસાલો ભેળવી કિરણભાઈએ આપણને પીરસી છે. વરસાદ બાદ કાદવથી ભરેલા ગામના રસ્તા, સંસદમાં અને તંત્રમાં લેવાતા નિર્ણયો, છાપાંની પસ્તીમાં દેખાતા રાજકીય નેતાઓ, શિયાળાનું તાપણું અને ઉનાળાની સોડા જેવી તમામ બાબતો આ હાસ્યનિબંધોના વિષય બની છે. કાઠિયાવાડની તળપદી ભાષામાં થતા સંવાદ અને બોલીનો રણકો કાનને હાસ્યની મિજબાની કરાવે છે, તો વળી વર્તમાન રાજકીય પરિસ્થતિ પર હળવો વ્યંગ પણ કરી જાય છે.
ખૂબ જ ઓછા ખેડાતા એવા સાહિત્યપ્રકાર હાસ્યનિબંધોમાં આ સંગ્રહ સાંપ્રત વિચારો અને વિષયો સાથે આગવો પડઘો પાડશે.