Loading cart...
માતાના ઉદરમાં ગર્ભનું પ્રત્યારોપણ થવું. ત્યાર બાદ ક્રમશ: તેનો શારીરિક વિકાસ અને ૯ મહિનાના અંતે શિશુનો જન્મ. એક અદ્ભુત કુદરતી પ્રક્રિયા. દરેક માતાપિતા એક સર્વાંગ સુંદર, સ્વસ્થ અને બુદ્ધિશાળી બાળજન્મની અપેક્ષા રાખતાં હોય છે. આપણી સંસ્કૃતિમાં ગર્ભસંસ્કારનો ખ્યાલ પ્રવર્તમાન છે જે ગર્ભધારણથી જ બાળકમાં સદ્ગુણોનું સિંચન કરવા પર ભાર મૂકે છે. ગળથૂથીમાં મળેલો સંસ્કારવારસો શિશુને એક ઉત્તમ માનવી બનાવવામાં મદદ કરે છે. ગર્ભસંસ્કારના આ મહત્ત્વને સમજીને અક્ષયભાઈ બાવડા પોતાના અનુભવોના આધારે આપણને આપે છે પુસ્તક ‘ગર્ભસંવાદ’.
ગર્ભધારણના ૧૮મા અઠવાડિયાથી શિશુની શ્રવણશક્તિ વિકસે છે અને તેનું મગજ સાંભળેલી વાતો ગ્રહણ કરી શકે છે. આમ તેનો માનસિક વિકાસ થાય છે. ૧૮મા અઠવાડિયાથી રોજ તેની સાથે સકારાત્મક સંવાદ સાધી તેને તેજસ્વી બનાવવાના પ્રયત્ન કરી શકાય છે. પુસ્તકમાં દરેક દિવસે ગર્ભસ્થ શિશુ સાથે શું સંવાદ સાધવો અને કેવી રીતે સાધવો તેની ક્રમશઃ માહિતી ઉપલબ્ધ છે. આ સંવાદ સનાતન ધર્મમાં દર્શાવેલા પ્રસૂતિવિજ્ઞાન અને તેની તાર્કિક સમજ પર આધારિત છે. પુસ્તક ભગવાન વિષ્ણુના દશાવતારની કથાઓને સૃષ્ટિની ઉત્પત્તિ અને ઉત્ક્રાંતિના વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ સાથે જોડવામાં આવી છે. સાથે માનવજાતનો વિકાસ, ભાષાનું મહત્ત્વ, સજીવ-નિર્જીવ વચ્ચેના ભેદ અને આત્માની ચેતના જેવા વિષયોને સરળ શૈલીમાં પ્રસ્તુત કરવામાં આવ્યા છે. સાથે પુસ્તકમાં લાગણીઓને શબ્દબદ્ધ કરી અર્થપૂર્ણ સંવાદ દ્વારા તેના ભાવનાત્મક વિકાસની પણ વાત કરે છે.
આજે અવનવા વૈજ્ઞાનિક પ્રયોગો દ્વારા જિનેટિકલી મૉડિફાઇડ બાળક મેળવવાના પ્રયત્નો થઈ રહ્યા છે ત્યારે આપણા શાસ્ત્રોક્ત જ્ઞાન અને ગર્ભસંસ્કારના વિજ્ઞાન થકી ઉત્તમ, ઉત્કૃષ્ટ અને તેજસ્વી સંતાનની પ્રાપ્તિનો રાહ બતાવતું આ પુસ્તક દરેક યુગલ માટે દીવાદાંડી બની રહેશે.