પાર્થ માંકડ ડૉ.
સ્વાસ્થ્ય એટલે માત્ર શારીરિક સ્વસ્થતા જ નહીં, પરંતુ માનસિક અને આત્મીય ઊર્જાનું સમસ્થિતિમાં હોવું, રોગનાં કારણ માત્ર બાહ્ય નહીં, પરંતુ આંતરિક પણ હોઈ શકે છે, જેવી પાયાની સમજણ સાથે શરૂ થતું આ પુસ્તક હોમિયોપથીના સિદ્ધાંતોને સરળ અને સહજ ભાષામાં રજૂ કરે છે. પુસ્તક હોમિયોપથીના ઉદ્ભવ અને વિકાસનાં રસપ્રદ ઇતિહાસને ઉજાગર કરી આજના સમયમાં તેની વધતી જતી સ્વીકૃતિ પાછળનાં સચોટ કારણો આપે છે. આ ચિકિત્સા-પદ્ધતિના પાયાના સિદ્ધાંતો વિશે વાત કરી તેના પરની શ્રદ્ધા મજબૂત કરવાનો પ્રયાસ કરે છે તથા હોમિયોપથી સાથે જોડાયેલી કેટલીક આંકડાકીય માહિતી અને તથ્યો દ્વારા તેની અસરકારકતા સમજાવે છે અને તેની મર્યાદાઓ તરફ પણ ધ્યાન દોરે છે. સાથે જ આ પદ્ધતિ સાથે જોડાયેલી કેટલીક ખોટી માન્યતાઓ જેવી કે હોમિયોપથીની દવાઓ ધીમી અસર કરે છે, તેમાં સ્ટેરોઇડ હોય છે, સાબુદાણા જેવી દેખાતી આ દવાઓ કોઈ પણ દર્દમાં લઈ શકાય, બાળકો કે ડાયાબિટીસનાં દર્દીઓ માટે આ દવાઓ યોગ્ય નથી વગેરેને દૂર કરી તેની પાછળ રહેલા વૈજ્ઞાનિક તર્કો દ્વારા તમામ પ્રશ્નોનું સમાધાન કરે છે. અનેક પ્રકારના શારીરિક અને માનસિક પ્રશ્નો સામે ઝઝૂમી રહેલા આજના મનુષ્યને સ્વાસ્થ્યના સાચા અને સમગ્રતયા અભિગમ તરફ વાળતું આ પુસ્તક દરેક વાચકનું દિશાસૂચન કરી સ્વાસ્થ્યના પથ પર લઈ જાય છે. ‘સ્વસ્થ રહે સહુ’ની કલ્પનાને વાસ્તવિકતામાં પરિવર્તિત કરવા પ્રયત્નશીલ એવા હોમિયોપથી પ્રત્યે લોકોનો અભિગમ બદલાય અને તેની ઉપચારપદ્ધતિઓ દ્વારા સ્વસ્થ જીવન તરફ વાળતું આ પુસ્તક દરેક માટે આંખ ઉઘાડનાર સાબિત થશે.