રાજેશ વાઘેલા
સોશિયલ મીડિયા પર રીલ જોવા જેટલા સમયમાં એક સુંદર વાર્તા વાંચવા મળે તો? ખૂબ જ ઓછા શબ્દોમાં લખાતી અને ટૂંકી વાર્તાની તુલનામાં નાના કદની વાર્તાઓને લઘુકથા તરીકે ઓળખવામાં આવે છે. સ્વરૂપ લઘુ હોવા છતાં તેનો સાર ઊંડો અને ચોટદાર હોય છે. રાજેશભાઈ વાઘેલા આવી જ ૪૪ લઘુકથાઓ આપણી સમક્ષ આ સંગ્રહ દ્વારા મૂકી રહ્યા છે. આ કથાઓ માનવીય સંબંધોમાં રહેલી સંવેદનાઓનો નાજુક દસ્તાવેજ છે. રોજબરોજની સામાન્ય લાગતી ઘટનાઓની પાછળ છુપાયેલાં સૂક્ષ્મ સંવેદનો અને વિચારોને તેમજ અકથ્ય ભાવોને આ લઘુકથાઓમાં વ્યક્ત કરવામાં આવ્યાં છે. છૂટાં પડેલાં સ્વજનો.... તૂટેલાં સપનાં.... વિકટ પરિસ્થિતિઓ વચ્ચે જીવતી આશાઓ.... અતીતનાં અજવાળાં... આ લઘુકથાઓનો અસબાબ છે. સહજ અભિવ્યક્તિ કરવાની સર્જકની સૂઝ કથા પાછળ રહેલા સૂક્ષ્મ ભાવોને ભાવક સુધી સરળતાથી પહોંચાડે છે. દરેક કથાનો ઉઘાડ યોગ્ય ક્ષણ પારખીને કરવામાં આવેલો હોવાથી કથાઓ કૃતક બનતી નથી અને પ્રવાહી રીતે આગળ વધે છે. ગર્ભિત રીતે મૂકવામાં આવેલ કથાસારના કારણે કથાઓ બહુ બોલકી બનતી નથી. પરિણામે કથાઓમાં ઉપદેશ કે બોધનો ભાર વર્તાતો નથી. કૃતિ અનુસાર યોગ્ય રીતે પ્રાદેશિક બોલીનો વિનયોગ દરેક કૃતિની વ્યંજનાને ધારદાર બનાવે છે. ઓછામાં વધુ કહી જતી ગાગરમાં સાગર સમી આ લઘુકથાઓ નવી અભિવ્યક્તિનો પરિચય કરાવશે.