શ્રી ભાણદેવજી
રામકથાની રચના તો ભારતની લગભગ પ્રત્યેક ભાષામાં થઈ છે. વિશ્વની અન્ય ભાષાઓમાં પણ રામકથા કહેવાઈ છે. શ્રી ભાણદેવજી આ પુસ્તકના માધ્યમથી રામકથાના સામાન્ય સ્વરૂપ કરતાં ભિન્ન સ્વરૂપ રજૂ કરે છે, જેમાં દરેક પ્રસંગ અને પાત્ર પાછળ રહેલા ગૂઢ આધ્યાત્મિક મર્મને રજૂ કર્યો છે.
રામકથાનું સ્વરૂપ ગહન અને અદ્ભુત છે જેને અનેક દૃષ્ટિથી જોઈ, જાણી અને સમજી શકાય છે. આ પુસ્તકમાં રજૂ કરવામાં આવેલા દૃષ્ટિકોણ માટે વાલ્મીકિ રામાયણ અને શ્રી રામચરિતમાનસને આધારરૂપ ગણવામાં આવ્યાં છે. આ બંને ગ્રંથો અને રામકથાનાં અનેક વાર કરેલાં શ્રવણ, મનન અને વાંચનના આધારે શ્રીભાણદેવજી રામકથાના આધ્યાત્મિક માહાત્મ્યને એક લઘુગ્રંથમાં સમાવી આપણા સુધી પહોંચાડે છે.
અહીં અભિવ્યક્ત થયેલા રામકથાના પ્રસંગો એક જુદી દૃષ્ટિથી રજૂ કરવામાં આવ્યા છે છતાં પણ રામકથાનો સાર એ જ રહ્યો છે.
• દેવર્ષિ નારદથી અભિપ્રેત મહર્ષિ વાલ્મીકિ દ્વારા શરૂ થયેલી આ કથામાં વેદ-ઉપનિષદોનો સાર ક્યાં-ક્યાં ગૂંથાયેલો છે?
• શ્રીરામની બાળલીલાઓમાં છુપાયેલો ભ્રાતૃપ્રેમ સમગ્ર સમાજ માટે કેવી રીતે દૃષ્ટાંતરૂપ છે?
• કયા કયા પ્રસંગે રામે અશ્રુ સાર્યાં અને તેમની વિષાદલીલાનો શો અર્થ કરવો?
• રામે સીતાનો ત્યાગ કર્યો એ પાછળ શું રહસ્ય છે?
આવા તમામ પ્રસંગો પાછળ રહેલા સાંકેતિક અર્થોને અને તેના અકથ્ય ઉત્તરો આ પુસ્તકમાં સમાવિષ્ટ છે. રામનામની જેમ જ આ પુસ્તક દરેક વાચકને એક સુખમય અનુભૂતિ કરાવશે.