યજ્ઞેશ દવે
કૉન્ક્રીટનાં જંગલોમાં કેદ થતો જતો માનવી ધીમે ધીમે પ્રકૃતિથી વિખૂટો પડતો જાય છે. આવા સમયે કવિ-લેખક યજ્ઞેશ દવે પોતાના પ્રકૃતિપ્રેમને વિવિધ લલિત નિબંધોમાં ઢાળી આપણને પ્રકૃતિના સાંનિધ્યમાં લઈ જાય છે. જેને જોઈને માણસને અનેરો આનંદ થાય તેવાં પંખીઓના રંગ, આકાર, અવાજની વિશેષતાઓનાં અનેરાં વર્ણન કરતા નિબંધો આપણને પંખીવિશ્વનો વિશિષ્ટ પરિચય કરાવે છે. છ ઋતુઓના વૈભવથી સંપન્ન એવા આપણા દેશમાં શિયાળો, ઉનાળો અને ચોમાસું માણવાની જે મજા છે તેનું સુંદર વર્ણન પણ કરે છે. વળી કરોળિયા, પતંગિયાં અને તમરાં જેવા કીટોથી અભિભૂત થઈ તેમની દુનિયાની પણ સેર કરાવે છે. હવા, પાણી અને ઉજાસનો આશરો લઈ ભરપૂર ખીલતાં હરિયાળાં વૃક્ષો અને ફૂલો તેમ જ વાંસથી લઈને ઘાસ સુધી પાંગરેલી પ્રકૃતિ સાથે માનવીએ કેળવેલા ઘરોબા વિશે પણ વાત કરે છે. કુદરતની અદૃશ્ય પીંછી વડે આકાશના કૅન્વાસ પર જે અનેકરંગી ચિત્રોની ભાત ઊપસે છે તેનું મનમોહક વર્ણન પણ અહીં જોવા મળે છે. પાંચ વિભાગમાં વહેંચાયેલા 46 નિબંધો પ્રકૃતિની રંગ અને રસસભર લીલાથી અભિભૂત કરી વાચકને પ્રકૃતિની નિકટ લઈ જાય છે.