સમર્પણ એકબીજાનું
Samarpan Ekbijanu
સત્ય તો એ છે કે જો ખરેખર એટલું જ દુઃખ થયું હોય તો જેણે તમારી સાથે બેવફાઈ કરી, ખોટું કર્યું, દગો કર્યો એને છોડીને જવાની આપણામાં હિંમત હોવી જોઈએ. આવી હિંમત હોતી નથી કારણ કે, જે-તે વ્યક્તિ પાસેથી પોતાને ઘણું બધું જોઈતું હોય છે. વ્યક્તિને છોડવાની કે સંબંધમાંથી બહાર નીકળવાની હિંમત ન હોવા છતાં એ સંબંધમાં નિરાંતે રહેવાની પણ કેટલાક માણસોની પ્રકૃતિ નથી હોતી. જો પ્રેમ મહત્ત્વનો હોય તો ભૂતકાળની એક નાનકડી ભૂલને ભૂલીને પ્રેમનો ઉત્સવ ઊજવવો જોઈએ અને જો ભૂલ મહત્ત્વની હોય તો પ્રેમને ભૂલી જવો જોઈએ આવી સાદી સમજણ પણ કેટલાક લોકોમાં હોતી નથી.
[ પુસ્તકના ‘ક્ષણનું સત્ય, મણની મથામણ...’ લેખમાંથી ]
સમાજનાં આ ડબલ સ્ટાન્ડડ્ર્સ પુરુષને એનું પિતૃત્વ ઉઘાડતાં અટકાવે છે... મિત્રની પુત્રી, શિષ્યા કે પડોશીની દીકરી સાથે એક પુરુષ પૂરા હૃદયથી ખૂલીને વહાલથી વર્તી નથી શકતો, કારણ કે સમાજની નજરો એને એ રીતે વર્તવા દેતી નથી. સત્ય તો એ છે કે કોઈ પણ જેન્ડર સારી કે ખરાબ નથી. બધી જ સ્ત્રીઓ પવિત્ર નથી અને બધા જ પુરુષો લંપટ નથી. બધા જ સાધુઓ સિદ્ધપુરુષ નથી ને બધા જ બાવા છેતરપિંડી કરવા નીકળી પડેલા પાખંડીઓ નથી...
[ પુસ્તકના ‘દરેક પુરુષમાં પિતા હોય જ છે, ચાલો શોધીએ...’ લેખમાંથી ]
આપણે અવારનવાર કહીએ છીએ, ‘નાના માણસો આવા જ હોય’. આ નાના માણસ એટલે? આપણે આપણી જાતને ‘મોટા’ કહેવા માટે બીજાને નાના કહીએ છીએ? જેને આપણે ‘નાના માણસ’ કહીએ છીએ, એ માત્ર પૈસાના ત્રાજવામાં કરેલું તોલમાપ છે. ધોબી, ઘરમાં કામ કરતા ડોમેસ્ટિક, હેલ્પર, ઘરના કૂક કે ડ્રાઇવર ખરેખર આપણી જિંદગીને કેટલી સરળ બનાવે છે એનો વિચાર આપણે ભાગ્યે જ કરીએ છીએ. આ બધામાંથી કોઈ એક વ્યક્તિને આપણે ક્યારેય ‘થૅન્ક યુ’ કહ્યું છે? કહી જોઈએ એક વાર? એ વ્યક્તિને પોતાના કામની કદર થયાનો જે સંતોષ થશે, એ સંતોષ પછી એ આપણું કામ જે આનંદ અને સ્નેહથી કરશે એ ફરક આપણને પોતાને સમજાયા વગર નહીં રહે.
[ પુસ્તકના છોટી છોટી સી બાત...’ લેખમાંથી ]
Product Details
- Pages:144 pages
- Language:Gujarati
- Format:Paperback