પ્રકાશ ત્રિવેદી
પ્રકાશભાઈને પોતાનાં અમેરિકા વસવાટનાં નવ વર્ષ દરમિયાન ત્યાંના ગુજરાતીઓ સાથે બનેલી ઘટનાઓ અને પ્રસંગો વિશેષ આકર્ષે છે. આ નવલકથા લગ્ન કરીને અમેરિકા ગયેલી અથવા કહો કે અમેરિકા જવા માટે લગ્ન કરતી ગુજરાતી યુવતીની સંઘર્ષગાથા છે, જે સત્યઘટના પર આધારિત છે.
સોનેરી સપનાં અને વૈચારિક સ્વાતંત્ર્યનો દેશ અમેરિકા હંમેશાં ગુજરાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યો છે. શૈક્ષણિક લાયકાત અને સગપણ સિવાય મોટા ભાગે લગ્ન જ અમેરિકા જવાનો સીધોસરળ માર્ગ બની જતો હોય છે. અમેરિકા જવા ઉત્સુક એક યુવતી અમેરિકામાં સેટલ થયેલા યુવકને પરણે છે અને અમેરિકા સ્થાયી તો થાય છે. પરંતુ લગ્નના થોડા સમય બાદ પોતાના પતિ અને સાસરિયાંનો અસલી ચહેરો જોવા મળે છે. પતિ ભલે અમેરિકા સ્થાયી થયો હોય પણ તેની વિચારસરણી દહેજ, શોષણ, ઘરેલુ હિંસા જેવાં દૂષણોથી પ્રભાવિત છે. વાત-વાતમાં મેણાંટોણા, ના કોઈ આર્થિક કે વૈચારિક સ્વતંત્રતા, પૈસાની બાબતે વિવાદ, પતિ અને સાસુ તરફથી અપાતો ત્રાસ, આ તમામ સંઘર્ષોના પગલે યુવતી છૂટાછેડા લેવાનો નિર્ણય કરે છે, જેમાં એને મદદરૂપ થાય છે અમેરિકામાં જ સ્થાયી થયેલું એક મિત્ર યુગલ.
સંવાદના સ્વરૂપમાં લખાયેલી આ નવલકથાનું પ્રયોગાત્મક પોત તમને ચોક્કસ આકર્ષશે. લગ્ન સમયે યુગલ દ્વારા લેવાયેલાં સપ્તપદીનાં સાત વચનો લગ્ન બાદ કેટલી હદે પળાય છે તેના ઉપર આ નવલકથા એક યક્ષપ્રશ્ન ઊભો કરે છે.
આ કથા માનવીય સંબંધો અને સંવેદનોનાં વિવિધ સ્તરોને સ્પર્શીને તેના તાણાવાણાને ઉજાગર કરે છે.