કૉફીનામા
Coffeenama
મને આ ‘નામા’ શબ્દ ગમે છે. મનનો સ્વભાવ સ્વૈરવિહાર છે. એ જુએ છે ને જીવે છે એની વાત કરે છે. જેમ એ જમીન પર પગલાં માંડે છે એમ જ કલ્પનાની પાંખેય ઊડે છે. એનું ઉડ્ડયન ગરુડ સરીખુંય હોય છે ને પતંગિયા સરીખુંય હોય છે. ક્યારેક એ સડસડાટ ઊડીને લક્ષ્ય સુધી પહોંચે છે તો ક્યારેક નિરુદ્દેશે આમતેમ ઊડાઊડ કરે છે. ક્યારેક એક ઠેકાણે જંપીને બેસે છે, એક વાત વિષે ઊંડું ને ઝીણું તાગે છે તો ક્યારેક અહીંથી તહીં અજંપ આઘુંપાછું થાય છે.
મનને વિષયનો પણ છોછ નથી. એ વિચારશૂન્ય બની શકતું નથી, એટલે જ એ સ્થિતિ સિદ્ધ કરવાને સાધકો સિદ્ધિ ગણે છે. પણ હું ક્યાં સાધક છું? હું તો જીવું છું એટલે વિચારું છું - ક્યારેક ઇચ્છાથી તો ક્યારેક અવશ.
બસ, આવી જ કેટલીક ક્ષણોને મેં અહીં કાગળ પર ઉતારી છે, કવિતાસર્જનની સભાનતા વગર. એમ જ. સાવ સહજ.
આવું બધું કાગળ પર ઊતરે ત્યારે મારાં સાથી મારો હીંચકો ને મારી કૉફી. બસ, એમાંથી આ નામ મળ્યું : કૉફીનામા. પણ એમાં કેવળ કૉફીની વાત નથી. કૉફી હાથમાં છે, સાથમાં છે, એની સાક્ષીએ વાત થાય છે. એના બે ઘૂંટ વચ્ચેના મુકામનું બયાન છે. આ મારી ક્ષણોની આવક-જાવકનો હિસાબ નથી, કૉફીના ઘૂંટના કટુમધુર રસ માણતાં શ્વસેલા શ્વાસ છે, ને એમાં હું જીવું છું.
Product Details
- Pages:244 pages
- Language:Gujarati
- Format:Hardback