ધીરુબહેન પટેલ
વિભિન્ન વાણી, વર્તન અને સ્વભાવ ધરાવતા અસંખ્ય મનુષ્યોમાં ઈશ્વરે કોઈક ખૂણે રમૂજ પણ મૂકી હોય છે. આ રમૂજને ધીરુબહેન પટેલની નજર શોધી લે છે અને સર્જાય છે હાસ્યરસથી ભરપૂર નવલકથા `એક ફૂલગુલાબી વાત'.
મહાનગર મુંબઈના મધ્યમ વર્ગીય પરિવારમાં વસતો યુવાન મધુ ધનાઢ્ય કુટુંબમાં જન્મેલી અને લાડકોડથી ઊછરેલી કરિશ્મા ઉર્ફે ઝૂકીના પ્રેમમાં પડે છે. મૉડર્ન ફૅશન અને હાઇ-ફાઇ લાઇફસ્ટાઇલના રંગે રંગાયેલી ઝૂકીને તો તેના આ મોજશોખ અને તેવરને પોષી શકે તેવો પૈસાદાર મુરતિયો રવીન્દ્ર પસંદ છે. ઝૂકી સાથે લગ્નની આશા અકબંધ રાખીને તેની સાથે સાચી મિત્રતા નિભાવતો મધુ અવનવી પરિસ્થિતિમાં મુકાતો જાય છે. આ પરિસ્થિતિઓમાંથી જ રેલાતી જાય છે હાસ્યની ધારાઓ. પૂરપાટ ઝડપે દોડતું મુંબઈનું જીવન, ટ્રાફિકથી ભરચક રસ્તા, અજીબોગરીબ મિજાજ ધરાવતા ગુજરાતી મુંબઈગરાઓ, સાંકડા ફૂટપાથ અને શેરીઓથી લઈને રેસ્ટોરન્ટ અને શો-રૂમ સુધી ફેલાયેલી મુંબઈની જાહોજલાલી અને રીતભાતોમાંથી નીપજતું હાસ્ય આ નવલકથાનું ચાલકબળ છે. અતિગંભીર લાગતી પરિસ્થિતિ પણ ધીરુબહેને અહીંયાં હળવી ફૂલ બનાવીને વર્ણવી છે. અવનવાં પાત્રો, તેમનાં અટપટાં નામો, તેમની વિશેષતાઓ અને તેમની વચ્ચે સર્જાતી પરિસ્થિતિઓ પાનેપાને હાસ્ય નીપજાવે છે. દરેક પરિસ્થિતિમાં કેન્દ્રીય પાત્ર મધુના મનમાં આવતા વિચારો અને સ્વગતોક્તિઓમાંથી પણ હાસ્ય છલકાતું જોવા મળે છે. વાર્તાલેખનની પ્રવાહી શૈલી અને હળવાશ ભરપૂર મનોરંજન કરે છે. આજના યુગમાં શુદ્ધ, મૌલિક અને હળવા હાસ્યની મિસાલ પૂરી પાડતી આ નવલકથા દરેક વાચકને આકર્ષી જશે.