આર. ડી. પટેલ
21મી સદીના આધુનિક યુગમાં પ્રવેશેલો માનવી અત્યાધુનિક ટૅક્નૉલૉજી સાથે પ્રગતિનાં અવનવાં સોપાનો સર કરી રહ્યો છે. બહારથી પ્રગતિશીલ અને સંપન્ન જણાતો આ માનવી ભીતરથી ખાલી અને ગૂંચવાયેલો છે. આજે તેની પાસે ધનસંપત્તિ છે, પરંતુ સુખ-શાંતિ નથી. મોંઘા આવાસો છે, પણ એમાં હૂફ નથી અને મખમલી પથારીઓ છે તો મીઠી નીંદર નથી, સમૃદ્ધિ તો છે, પણ સંતુષ્ટિ નથી. સ્પર્ધા, અનુકરણ અને કહેવાતી સફળતાની પાછળ સતત દોડતો માનવી ક્યાં અટકવું તે ભૂલી ગયો છે અને જરૂરિયાત કરતાં વધુ મેળવી ગૂંચવાઈ ગયો છે.
શ્રી આર. ડી. પટેલ માનવીના જીવનમાં પ્રવેશેલા આવા જ પ્રશ્નોને પ્રકાશમાં લાવી તેનું નિરાકરણ લાવવાનો પ્રયત્ન કરે છે આ પુસ્તકના માધ્યમથી.
સંગ્રહખોરીથી ટેવાયેલો માણસ જરૂરિયાતકેન્દ્રી બની કેટલો હળવો થઈ શકે છે તેનું મહત્ત્વ સમજાવ્યું છે. ‘હું કરું, હું કરું.’ની અજ્ઞાનતા દૂર કરી ‘આ બધું તો થાય છે કોઈ અગમ શક્તિથી’ એ હકીકત સમજાવી છે. વિદેશની ધરતી પર આજીવન ઢસરડા કરી બધું મેળવ્યા બાદ અંતે નિવૃત્તિ વખતે વતન યાદ કરતા લોકોને સાચી દિશા બતાવવાનો પ્રયત્ન કર્યો છે. જીવનની ઢળતી સાંજે આથમતા ઉત્સાહને એક નવો ઉદય કરવાનું જોમ પૂરું પાડે છે. તો ક્યાંક બે પેઢી વચ્ચે વધતા જતા અંતરને સમજણથી કેવી રીતે ઓછું કરી શકાય તેની વાત પણ કરી છે. એક ન્યુક્લિયર ફૅમિલીની જેમ વિકસતા જતા સમાજ વચ્ચે કેવી રીતે સેતુ બાંધવો એ વિશે ઉમદા વિચારો રજૂ કર્યા છે. અને અંતે જીવનના છેલ્લાં વર્ષોને અફસોસમાં વ્યતીત કરવા કરતાં ઉજવણી બનાવવા તરફ અંગુલિનિર્દેશ કરી જીવનને સાર્થક બનાવવાની વાત કરી છે. દરિયાપાર વસતા પરિવારોને પોતાના મૂળ સાથે જોડી જીવનની ગૂંચવણને ઉકેલવા માટેની ચાવી બતાવતું આ પુસ્તક પૂરઝડપે દોડતી જીવનની ગાડીને વિરામ આપી જવું આત્મબળ પૂરું પાડે છે.