વીનેશ અંતાણી
ઉંમરના એક પડાવ પર પહોંચ્યા પછી માણસ પાસે પોતાનું કહી શકાય એવું કશુંક બચતું હોય તો એ છે સ્મૃતિઓનું ભાથું. મીઠી સ્મૃતિઓ આશીર્વાદ બની જાય છે જ્યારે માઠી સ્મૃતિઓ આભિશાપ. પરંતુ વીનેશભાઈ થોડા આગળ વધીને આ નવલકથાનું પોત બાંધે છે. ‘સ્મૃતિઓ હોવી એ અભિશાપ કે આશીર્વાદ?’ આ બારીક સવાલ તેમની નવલકથાના કેન્દ્રમાં છે. જીવનની ઢળતી સંધ્યાએ સમયની ક્ષિતિજ પર ઊભેલી બે બહેનો. જેમાંથી એકને વિસ્મૃતિની અવદશા બેઠી છે અને બીજી બહેન તેને સ્મૃતિઓનું ઓસડ આપી જીવનમાં પાછી લાવવાની કોશિશ કરતી રહે છે. શાંત સ્થિર સરોવરસમી આ વાર્તાની ભીતર વીતી ગયેલા સમયનો ઘૂઘવતો સમંદર ધીમે ધીમે સપાટી પર આવતો જાય છે. અંતે કથા એવા વળાંક પર આવીને ઊભી રહે છે કે વિસ્મૃતિ વરદાન લાગવા લાગે અને સ્મૃતિ અભિશાપ. રોજિંદી દિનચર્યાની વચ્ચે શરૂ થતી આ વાર્તા ધીમે ધીમે અતીતના દરવાજા ખોલી વીતી ગયેલા જીવનની સફર કરાવી અનેક સંવેદનોથી તરબતર કરી મૂકે છે. પાત્રોના મુખે મુકાયેલા સંવાદો, સ્થળોનાં વર્ણનો અને પ્રસંગોના કથનમાં વીનેશભાઈની આગવી લેખનશૈલીની છાપ જોવા મળે છે. રસાળ શૈલીમાં રસપ્રદ રીતે આગળ વધતો વાર્તાપ્રવાહ વાચકને દરેક પ્રકરણે જકડી રાખી એકીબેઠકે કથા પૂરી કરવા લલચાવે છે. સ્મૃતિ અને વિસ્મૃતિની ભુલભુલામણી શેરીઓમાં સફર કરાવતી આ નવલકથા દરેક વાચકને સ્પર્શી જશે.