જાતે પ્રગટ થશે
Jaate Pragat Thase
વિકી ત્રિવેદીની ગઝલોનો પ્રાણ છે પીડા. એની કથાનો સાર છે વ્યથા. વિકીનું મૂળ નામ કદાચ વિનોદ છે. પણ આપણને લાગે કે કુદરતે એના હિસ્સામાં વિનોદ ઓછો અને વ્યથા વધારે રાખી હશે. પોતાની અંગત વ્યથાઓ જ ખુદ ઉપાડી ન શકાય એવી વજનદાર હોય ત્યાં આ સંવેદનશીલ માણસ દુનિયાભરની વ્યથાઓથી પણ પીડિત થાય છે. એથી એની અમાપ વ્યથાઓ માત્ર ગઝલના માપમાં જ બેસે છે. મજાની વાત એ છે કે ગઝલમાં એનું રસિક રૂપાંતર થાય છે, જેને વિકી ત્રિવેદી ભાવકો સાથે વહેંચે છે. એની ગઝલોમાં ‘વ્યથાની મજા અને મજાની વ્યથા’ છે, એ વાત અગાઉ પણ નોંધેલી. કવિ પોતે આમ તો કબૂલાત કરે છે.
ઈશ્વરને સોંસરા સવાલ કરનાર આ કવિની કવિતા માણસોને પણ શોષક અને શોષિત એમ બે વર્ગમાં વહેંચે છે. એક વર્ગ ઈમાનદારી અને સચ્ચાઈથી ચાલે છે અને દુ:ખી છે. બીજો વર્ગ સમાધાનો અને ચતુરાઈથી ચાલે છે અને જલસાથી જીવે છે. મોજ અને બોજ અનુભવતા આ બે અલગ અલગ વર્ગ માત્ર આર્થિક ક્ષેત્રમાં નહીં, સંબંધો અને વ્યવહારના ક્ષેત્રમાં પણ છે. સ્વાર્થી વ્યવહારોથી ખદબદતા આ મતલબી જગતમાં કવિને દિવંગત માનો નિ:સ્વાર્થ પ્રેમ યાદ આવે છે અને કવિની દિવંગત માતા એની ગઝલોમાં મૂર્તિમંત અને જીવંત થતી રહે છે.
Product Details
- Pages:144 pages
- Language:Gujarati
- Format:Paperback