સર્જનાત્મક ઐક્ય
Sarjanatmak Aikya
‘અનંત’ અને ‘બહુ’ની સંવાદિતા દ્વારા ‘એક’ને પૂર્ણ અભિવ્યક્તિ આપવી એ જ સર્જનાત્મકતા પાછળ રહેલું સત્ય છે. આ જ વિચારને રવીન્દ્રનાથ પોતાના અલગ-અલગ વિષયો પર આધારિત વક્તવ્યો અને કેટલાક નિબંધોમાં પ્રસ્થાપિત કરે છે. શું છે કવિનો ધર્મ? સર્જનાત્મકતાનો આદર્શ શું હોઈ શકે?
અરણ્યધર્મ અને ભારતનો લોકધર્મ ઇતિહાસ અને વિવિધ સાહિત્યિક સર્જનોમાં કેવી રીતે છલકાય છે? આવા કેટલાક મૂળભૂત પ્રશ્નોનું પૃથક્કરણ કરતાં ટાગોર કહે છે ‘માનવીનું અંતિમ સત્ય સૌંદર્યના શાશ્વત્ સંગીત અને એના દિવ્ય અસ્તિત્વના આંતરિક પ્રકાશમાં રહેલું છે.’ પોતાનો આ વિચાર રવીન્દ્રનાથ વિશ્વના વિવિધ કવિઓની કવિતાઓની સમજૂતી આપતાં સવિસ્તર સમજાવે છે. વળી તેમના અન્ય પત્રો અને વક્તવ્યોમાં પૂર્વ અને પશ્ચિમની સાંસ્કૃતિક તેમ જ આધુનિક વિચારધારાઓ પર પોતાનાં નિરીક્ષણો રજૂ કરે છે. પૂર્વ અને અન્ય દેશો પર પશ્ચિમના પડતા પ્રભાવથી થતા નૈતિક મૂલ્યોના નુકસાન તરફ પોતાની નિસબત રજૂ કરી છે. એક નિબંધમાં સ્વાતંત્ર્યની પરિભાષા આપતાં કહે છે કે માણસની પ્રવૃત્તિઓને સામર્થ્ય અને સર્જનકર્મને વ્યાપકતા પૂરી પાડે એ જ સાચું સ્વાતંત્ર્ય. નારીશક્તિને સર્જનાત્મક ક્ષમતાના પ્રતીકરૂપે નિરૂપે છે, અને પુરુષપ્રધાન બનતા જતા માનવવિશ્વનું ભવિષ્ય ક્ષમતાહીન બની જશે તેવી ચિંતા પણ વ્યક્ત કરે છે.
આમ કલા, સંસ્કૃતિ અને રાષ્ટ્રવાદ જેવા વિષયો પર ટાગોરના મૂળભૂત તાત્ત્વિક વિચારો અને દૃષ્ટિબિંદુને રજૂ કરતું આ પુસ્તક વાચકોને ટાગોરની વધુ નિકટ લઈ જઈ તેમની આંતરચેતનાને સ્પંદિત કરે છે.
Product Details
- Pages:138 pages
- Language:Gujarati
- Format:Paperback