સખ્ય એકબીજાનું
Sakhya Ekbijanu
માણસનું મન જ એના જીવનમાં બનતા પ્રસંગોની અનુભૂતિને સુખ અને દુઃખમાં ટ્રાન્સલેટ કરે છે. કેટલાક લોકો પીડાને પણ પ્રસંગ બનાવી શકતા હોય છે, જ્યારે કેટલાક લોકો માટે પ્રસંગ પણ પીડા બની જતી હોય એવું આપણે નથી જોયું? ધોમધખતો તાપ, વરસાદની પહેલાંના છડીદારની જેમ આવે છે... એ બફારો, એ ઘામ આપણને અનુભૂતિ કરાવે છે કે હવે વરસાદ આવશે. કોઈ એક વ્યક્તિ આપણાથી દૂર હોય ત્યારે એની ગેરહાજરીમાં થતી અકળામણ કે ઘામ મિલનના વરસાદ પહેલાંની ક્ષણો છે. આપણે બધા જ મેઘધનુષ્યના પૂજારી છીએ. મૃગજળને વખોડવાની આપણને ટેવ પડી ગઈ છે, પરંતુ જો રણ ન હોત તો લીલોતરીની મજાની આપણને કોઈ દિવસ ખબર પડી હોત ખરી? લાગણીના સંબંધોમાં ઉતાર-ચઢાવ તો આવવા જ જોઈએ. ક્યારેક કોરુંધાકોર પડી જતું મન ને ક્યારેક મુશળધાર વરસતું ચોમાસું એ મનની બદલાતી મોસમનાં પ્રતીક છે. સતત સુખ જ સુખ મળ્યા કરે તો સુખ પણ કદાચ અબખે પડી જાય એવું બને.
[ પુસ્તકના ‘મેઘધનુષ્ય અને મૃગજળ : બેઉ સરખા છે.’ લેખમાંથી ]
આપણી લાલચ અને આપણી ગરજ આપણને ધીરે ધીરે ખોટા માણસો તરફ લઈ જાય છે. આ ‘ખોટા’ એટલે? એવા માણસો કે જે માત્ર આપણી લાલચ અને ગરજનો ફાયદો ઉઠાવે છે... જે સાચો ગુરુ છે, જે સાચે જ ધર્મ શીખવવાનો પ્રયાસ કરી રહ્યા છે એ ક્યારેય આપણને કશું મેળવવા માટે ધર્મ તરફ વાળવાનો પ્રયાસ ન જ કરે. એક સાચો ગુરુ એ છે જે આપણી અંદર રહેલા માણસને જગાડે. સાચો ગુરુ જ્ઞાનનો માર્ગ બતાવે છે, પ્રજ્ઞા જગાડે છે, ચમત્કાર બતાવીને અભિભૂત કરવાનો ક્યારેય પ્રયાસ નથી કરતો. આંજી દેવાનો પ્રયાસ કરે એ ગુરુ નથી. જે નજર આપે અને નજરમાંથી દૃષ્ટિ પ્રગટાવે એ સાચો ગુરુ છે. આપણી અંદર ખોવાઈ ગયેલો વિશ્વાસ કે શ્રદ્ધા ફરી જગાડે એ ગુરુ છે. જે શીખવે તે શિક્ષક છે પણ જે ગુણને ઉજાગર કરે છે તે ગુરુ છે.
[ પુસ્તકના ‘આંખ જો કુછ દેખતી હૈ, લબ પે આ સકતા નહીં... ’ લેખમાંથી ]
શબ્દ બંધન છે - શબ્દ મુક્તિ છે, શબ્દ શ્રદ્ધા છે - શબ્દ શંકા છે, શબ્દ સંતોષ છે - શબ્દ ઈર્ષા છે, શબ્દ અહંકાર છે - શબ્દ નમ્રતા છે, શબ્દ માયા છે - શબ્દ વૈરાગ છે, શબ્દ સજા છે - શબ્દ ક્ષમા છે, શબ્દ શીલ છે - શબ્દ વ્યભિચાર છે, શબ્દ પ્રેમ છે - શબ્દ ધિક્કાર છે, શબ્દ હિંસા છે - શબ્દ અભયવચન છે, શબ્દ શાંતિ છે - શબ્દ દાહક છે, શબ્દ વહાલ છે - શબ્દ વેર છે, શબ્દ સમજણ છે - શબ્દ ગેરસમજણ છે, શબ્દ સગવડ છે - શબ્દ જ અગવડ છે, શબ્દ અભિવ્યક્તિ છે - શબ્દ મૌન છે, શબ્દ મુખર છે - શબ્દ શરમાળ છે, શબ્દ વચન છે - શબ્દ છેતરપિંડી છે, શબ્દ વિશ્વાસ છે - શબ્દ માયાજાળ છે, શબ્દ ઈશ્વર છે - શબ્દ રાક્ષસ છે, શબ્દ સાધુ છે - શબ્દ શેતાન છે...
[ પુસ્તકના ‘સાધો, શબદ ઐસા બોલિયે’ લેખમાંથી ]
Product Details
- Pages:144 pages
- Language:Gujarati
- Format:Paperback