ધુમ્મસને પેલે પાર
Dhummas ne pele par
જીવનમાં કેટલીક સત્યઘટના ક્યારેક નવલકથાનું બીજ બની જાય છે. બીજી વાર અમેરિકા ગઈ ત્યારે મને સાચે જ ઍરક્રાફ્ટમાં એ માણસ મળ્યો, જે ગુજરાતી ફિલ્મ બનાવવા અમેરિકાથી આવ્યો હતો. એણે મારી વાર્તા તો ખરીદી, પણ સાથે સાથે કેટલીક એવી વાતો કહી જે મારા મોરલ અને માનસિકતાને અનુકૂળ નહોતી... એની સાથે સંબંધ ઘટાડીને, ફોન નહીં ઉપાડીને મને લાગ્યું કે હું મુક્ત થઈ ગઈ. એવું થયું નહોતું. એ મારી સાથે અમેરિકાની ફ્લાઇટ પર નેવાર્ક ઍરપૉર્ટ સુધી જોડાયો... ત્યાં પકડાયો! એની પાસે બે ગ્રીન કાર્ડ હતા.
એ પછી એને મળવા ડિટેન્શન કૅમ્પ, અમેરિકન બૉર્ડર સિક્યૉરિટી ફોર્સ અને બીજા એવાં સ્થળોની મુલાકાત લીધી, જે અમેરિકામાં વિઝિટ કરતા, વિઝિટર વિઝા પર આવેલા માણસો ક્યારેય ન કરે! ‘બી' રૂટની ટ્રેન પકડીને સાચે જ અંધારી સાંજે હાર્લેમના રસ્તા ખૂંદ્યા. ડ્રગ લેતા લોકો, ભય લાગે એવા સાડાછ ફૂટના ભયાનક ચહેરા ધરાવતા આફ્રિકન માફિયા અને બૅટરી ડ્રેઇન થઈ ગયેલા ફોન સાથે છેક ઉપર 185-188 કે કદાચ એથી પણ ઉપરની સ્ટ્રીટ સુધી એકલા પ્રવાસ કર્યા. અનુભવ તો મળ્યો જ, પણ સાથે એવું શીખી કે ગમે તેટલા ખૂનખાર માણસને તમે ન નડો તો એને તમને નડવામાં રસ નથી હોતો!
‘ધુમ્મસને પેલે પાર' સત્યઘટનાથી પ્રેરિત નથી, સત્યઘટના પર આધારિત છે. જિંદગીના કેટલાંક સત્યો આપણે સ્વયં સામે પણ ન સ્વીકારી શકીએ, પરંતુ આવી કોઈ નવલકથામાં લખી નાખવાથી કે કહી દેવાથી એક વિચિત્ર પ્રકારની રાહત થાય છે. ‘કોઈ ન જાણે તો સારું...' એને બદલે ‘હવે બધા જ જાણે છે...'ની લાગણી મુક્તિ અને નિરાંતની લાગણી છે.
‘ધુમ્મસને પેલે પાર' મારે માટે આવી મુક્તિના શ્વાસનું શાબ્દિક સ્વરૂપ છે.
Product Details
- Pages:656 pages
- Language:Gujarati
- Format:Hardback